Scroll Top

છેલ્લા 32 વર્ષથી મહિલા સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાનો અમારો પ્રયાસ

Our Entriprise Devlpment Team with the members of Kheda Women Farmers Cooperative

અમે છેલ્લા 32 વર્ષથી મહિલાઓની સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. અમે મહિલા સહકારી મંડળીઓને પરંપરાગત સીમાઓ તોડીને પોતાના અને પોતાના સમુદાયોને ટકાવી રાખવા અને સમુદાયોનો ઉત્થાન કરવા માટે નાણાકીય નિર્ણયો લેતા જોયા છે.

સહકારી મંડળીઓ: મહિલાઓ માટે નવું સ્વપ્ન

સહકારી મંડળીઓના માળખામાં રહીને મહિલાઓ પ્રથમ વખત સ્વપ્ન જુએ છે, જોખમો લે છે, નિર્ણયો લે છે અને પરસ્પરના અનુભવો એકબીજા સાથે વહેંચે છે. આમાં મહિલાઓની એકતા જોવા મળે છે. આ એકતા દ્વારા તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓ પડકારો ઝીલી શકે છે અને સાથે મળીને ઉકેલો લાવી શકે છે. આશ્રિત અને ગરીબીના ચક્રમાંથી બહાર આવીને તેઓ આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન જીવે છે.

જેમ કે, અમારા સંસ્થાપક સ્વર્ગીય શ્રીમતી ઈલાબેન ભટ્ટના અભિપ્રાય મુજબ, જ્યારે અસંગઠિત ક્ષેત્રની બહેનો કોઈ કાર્ય કરવા માટે એક છત નીચે એકત્રિત થાય છે અને સંગઠન બનાવે છે, ત્યારે તેઓ સક્રિય ભાગીદારો બને છે. તેમની ક્ષમતાઓ અને સંપત્તિઓનું નિર્માણ કરવા, તેમના માલિકી હકને પ્રોત્સાહિત કરવા, સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, અર્થતંત્રમાં તેમનો અવાજ ઉઠાવવા તથા તેમના વ્યવસાયનો વિકાસ થાય અને આત્મવિશ્વાસ વધે તે માટે અમારી મદદની જરૂર છે.

અમે શું શીખ્યા?

દાયકાઓથી અમે શીખ્યા છીએ કે સહકારી સંસ્થાઓ અસંગઠિત ક્ષેત્રની બહેનો માટે ફક્ત આર્થિક સંસ્થાઓ જ નથી, પરંતુ એક જીવનરેખા સમાન છે. મહિલા ઉદ્યોગ સહાય પ્રણાલી તરીકે સેવા સહકારી ફેડરેશન અસંગઠિત ક્ષેત્રની મહિલાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા અને તેમના વિકાસને મજબૂત બનાવવા માટે વિવિધ સેવાઓ અને માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે.

આગળનો માર્ગ

32 વર્ષના અમારા અનુભવ પરથી અમને શીખવા મળ્યું કે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓની આગેવાની હેઠળની સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા અને આગળ વધારવા માટેના કેટલાક પાઠ નીચે મુજબ છે:

  • મહિલાઓની આગેવાની હેઠળની સહકારી મંડળીઓને નાણાકીય સેવાઓ અને તાલીમ આપીને સશક્ત બનાવવી.
  • મહિલાઓને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત કરવી.
  • મહિલાઓને તેમના ઉત્પાદનો માટે બજારો શોધવામાં મદદ કરવી.
  • મહિલાઓને તેમની સહકારી મંડળીઓના સંચાલનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવી.
  • મહિલાઓની આગેવાની હેઠળની સહકારી મંડળીઓને મજબૂત બનાવવા માટે સરકાર અને અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરવું.

૧) ઔદ્યોગિક અને સામાજિક ઉદ્દેશ્યોનું સંતુલન:

ઔદ્યોગિક સ્તરે, સામૂહિક અને સામાજિક લક્ષ્યો વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર વ્યવસાયિક નફા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, સામાજિક લક્ષ્યો નક્કી કરવા અને સભ્યોની વાતો સાંભળવી પણ જરૂરી છે.

૨) એકતા અને સહકારના મૂલ્યો:

બહેનોને એકતા અને સહકારના મૂલ્યો શીખવવા જરૂરી છે, કારણ કે આ મૂલ્યો પર જ સમૂહ ઉદ્યોગોની સ્થાપના થાય છે. SEWA અને SEWA Cooperative Federation ના અનુભવોથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ સામૂહિક સાહસની સફળતા માટે તેના સભ્યો, શેરધારકો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન થવું જરૂરી છે. આ મૂલ્યોથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ મજબૂત બને છે. સારી રીતે ઉદ્યોગ કરીને નફો વહેંચી શકે છે. એકતા અને સહકારથી મહિલાઓ એકબીજાને મદદ કરી શકે છે અને સાથે મળીને વિકાસ કરી શકે છે. મહિલાઓને સમાનતા અને ન્યાયની તકો મળે છે તથા નિર્ણયો લેવાની તક મળે છે અને તેમની સાથે કોઈ ભેદભાવ થતો નથી.

૩) ઉદ્યોગ સહાય પ્રણાલી:

ઉદ્યોગ સહાય પ્રણાલીઓ મહિલા સમૂહો સાથે કોઈપણ પૂર્વગ્રહ વિના મહિલાઓની પરિસ્થિતિ, ચિંતાઓ અને જરૂરિયાતોને સમજીને સહકારી સાહસોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદ્યોગોની સ્થિરતા અને વિકાસ માટે સમય, ધીરજ, સતત પ્રયત્નો અને પ્રાથમિક રોકાણ પણ જરૂરી છે. ઉદ્યોગોની સફળતા માટે, મહિલાઓએ એકબીજાને ટેકો આપવો જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ. ઉદ્યોગ સહાય પ્રણાલીઓએ મહિલાઓને તાલીમ અને માર્ગદર્શન આપવું જોઈએ. નાણાકીય સહાય અને અન્ય સંસાધનો પૂરા પાડવા જોઈએ. તેમના ઉત્પાદનો માટે બજારો શોધવામાં મદદ કરવી જોઈએ.

૪) ક્ષેત્રીય ઉદ્યોગ અને સભ્યતા:

ફેડરેશન જેવી સહાય પ્રણાલીઓએ મહિલાઓના ધંધાકીય ક્ષેત્ર અને સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને તે ક્ષેત્રના નિષ્ણાતો પૂરા પાડવા જોઈએ જે સાહસોની ટીમ સાથે ગાઢ રીતે કામ કરે. આ પણ મહત્વપૂર્ણ છે.

૫) ક્ષમતાનો વિકાસ અને તેની જાળવણી કરવી:

આજના બદલાતા યુગમાં વિવિધ ઔદ્યોગિક સ્તરે મહિલા સંગઠનોને નવા નવા કૌશલ્યો શીખવવા ખૂબ જ જરૂરી છે. નવાં કૌશલ્યો શીખવા અને કૌશલ્યો સાથે સતત જોડાઈ રહેવું તથા વિકાસ કરવો પણ આવશ્યક છે. ફેડરેશને મહિલાઓને તેમના ક્ષેત્રના નિષ્ણાતો સાથે જોડીને તેમને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવી જોઈએ. તેમના કૌશલ્યોને અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. આ પણ એક મોટો પડકાર છે.

૬) નાણાકીય સમાવેશ:

આ ઉદ્યોગોને મોટા પાયે લઈ જવા અને વધુ નફો મેળવવા માટે, નવા વ્યવસાય, પ્રોજેક્ટ અથવા સંપત્તિમાં ફરીથી રોકાણ કરવા અને વિકાસ માટે ઉપયોગી થાય તે માટે યોગ્ય સમયે નાણાકીય સહાય અને કાર્યકારી મૂડી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં પણ, બેંકો મોટે ભાગે મહિલાઓને લોન આપતી નથી, કારણ કે તેઓ મહિલાઓને લોન આપવી જોખમભર્યું માને છે. બેંકોએ વધુ બેંકિંગ પ્રતિનિધિઓની નિમણૂક કરવી જોઈએ, જેથી અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને નાણાકીય સહાય આપી શકાય. નાણાકીય સંસ્થાઓએ તેમની પ્રક્રિયાઓ અને નિયમોને સરળ બનાવવા જોઈએ, જેથી મહિલા કામદારો દ્વારા સંચાલિત ઉદ્યોગો લોન લઈને પોતાના વ્યવસાયને આગળ વધારી શકે.

૭) વિસ્તૃત વિકાસ માટે ભાગીદારી:

વિસ્તૃત વિકાસ અને આર્થિક સ્થિરતા માટે ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ભાગીદારીઓમાં વિવિધ ક્ષેત્રો વચ્ચેનો સહકાર અને ટેકનિકલ સપોર્ટ કરતી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે ટેકનિકલ જાણકારી અને નવા વિચારો આપતી હોય છે. નાણાકીય સમાવેશમાં, મહિલાઓને લોન મેળવવામાં મદદ કરવી, નાણાકીય સાક્ષરતા અને વ્યવસાયિક તાલીમ આપવી જોઈએ. મહિલા ઉદ્યોગોને ટેકો આપવા માટે નીતિઓ બનાવવી જોઈએ.

૮) માર્ગદર્શન અને બજાર સ્થિતિ:

સંબંધિત સંસ્થાઓની માર્ગદર્શિકા અને સફળ સહકારી સમૂહો પાસેથી પરસ્પર શીખવાની પ્રક્રિયા મહિલા સહકારી સંસ્થાના નેતાઓને માર્ગદર્શન આપી શકે છે. આ માર્ગદર્શન તેમની બજારની માંગ અને સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. મહિલા સહકારી સાહસોને અંતિમ ગ્રાહક સુધી પહોંચવામાં સહાય કરવી જોઈએ, જેથી તેમના ઉત્પાદનો બજારમાં યોગ્ય રીતે સ્થાન મેળવશે.

૯) પર્યાવરણ વિકાસ (ઇકોસિસ્ટમ વિકાસ):

આપણે કાર્યક્રમો યોજીને અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને એકસાથે લાવીને એક એવો ધ્યેય બનાવવો પડશે જે મહિલા સાહસિક સંચાલકોને ટેકો આપે. અર્થવ્યવસ્થામાં દરેક મહિલાને સમાવવાનું લક્ષ્ય રાખીને SEWA કોઓપરેટિવ ફેડરેશન સરકારી નીતિ સાથે ભાગીદારીમાં, આર્થિક રીતે ટકાઉ પાયાના સાહસોને મજબૂત કરી શકે છે. મહિલાઓને તેમના વ્યવસાયો શરૂ કરવામાં, સંચાલન કરવામાં મદદ કરવામાં અને વ્યવસાયોને ટકાઉ અને સફળ બનાવવા માટે નીતિઓ બનાવવી જોઈએ. ઉત્પાદનો અને સેવાઓ માટે બજારો શોધવામાં મદદરૂપ બનવું જોઈએ.

૨૦૨૫: આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ

જેમ જેમ આપણે 2025 – આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – માં પ્રવેશ કરી રહ્યા છીએ, તેમ તેમ આપણે ભવિષ્યના એવા મહત્વપૂર્ણ પ્રશ્નો દ્વારા માર્ગદર્શન મેળવીએ છીએ જે આપણા ભવિષ્યના પ્રયત્નોને આકાર આપશે. વિકસિત બજાર પરિસ્થિતિઓમાં આપણે વધુ મહિલા સામૂહિક સાહસો (WCEs) ને સ્પર્ધાત્મક અને નાણાકીય રીતે ટકાઉ કેવી રીતે બનાવી શકીએ?

સહકારી સંસ્થાઓમાં કેવી રીતે નવીનતા લાવી શકાય જેથી સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરતા નવા વ્યવસાયિક અવસરો ઊભા થાય? નેતાઓ અને સભ્યો માટે ડિજિટલ કુશળતા અને સાધનોનો ઉપયોગ કેવી રીતે વધારી શકાય જેથી તેઓ પોતાના વ્યવસાયનો વિકાસ કરી શકે?

સહકારી ક્ષેત્રમાં યુવા મહિલાઓને સામેલ કરવા અને તેમના સામૂહિક સાહસોના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે કઈ સહાયક પ્રણાલીઓ આવશ્યક છે?

હવામાન જોખમો અસંગઠિત ક્ષેત્રની મહિલાઓના સહકારી ઉદ્યોગોને કેવી અસર કરે છે? તેનો સામનો કરવા અને સહનશીલ બનાવવા માટે કઈ વ્યૂહરચનાઓ બનાવી શકાય જે તેમને સ્થિતિસ્થાપકતા બનાવવામાં મદદ કરી શકે છે?

આ પ્રશ્નોના જવાબ આપવા માટે સહયોગી પ્રયત્નો અને મજબૂત ભાગીદારીની જરૂર છે. તે ફક્ત તેમની સહકારી સંસ્થાઓને આગળ લઈ જવા માટે તેમની ક્ષમતાઓમાં વધારો કરશે નહીં, પરંતુ સંપૂર્ણ રોજગાર અને આત્મનિર્ભરતાના બેવડા ઉદ્દેશ્યોને પણ પૂર્ણ કરશે. જેમ જેમ આપણે આગળ જોઈએ છીએ, તેમ તેમ અસંગઠિત ક્ષેત્રની મહિલાઓની પ્રતિકૂળતાઓને દૂર કરવામાં અને તેમનું સામૂહિક ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મદદ કરવામાં સહકારી સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

Related Posts